Home |  | Audio |  | Index |  | Verses

1 પિતરનો પત્ર 1 Peter

પ્રકરણમાં: 1 2 3 4 5
1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકો જોગ જેઓ તેઓના ઘરથી દૂર પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથૂનિયાના વિવિધ વિસ્તારોમાં પથરાયેલા છે.
2 દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો. તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે.
4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે.
6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે.
7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે.વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે.
9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે.
11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
13 તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો.
14 ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો.
15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે.
16 પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.”40
17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો.
18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ.
19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે.
20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે.
21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.
22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો.
23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે.
24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે. અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે. ઘાસ સુકાઈ જાય છે. અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” યશાયા 40:6-8અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]